ઈશ્વર કહે છે….
જ્યારે પણ પ્રેમ કરો, સાચા હૃદયથી કરો અને એને વ્યક્ત કરતાં કદી ડરો નહીં. તમારો પ્રેમ ખુલ્લી કિતાબ જેવો બની જવો જોઈએ જેથી દરેક તે વાંચી શકે. દુનિયાની સૌથી અદ્ભુત બાબત આ જ છે. તેથી તમારામાં રહેલો અલૌકિક પ્રેમ છૂટથી વહેતો મૂકો. પ્રેમ અંધ નથી, પ્રેમ તો પ્રિય પાત્રમાં રહેલા શ્રેષ્ઠને જોઈ શકે છે અને તેને બહાર લાવી શકે છે. કોને પ્રેમ કરવો – એ શોધવા ને પાત્ર પસંદ કરવા ન – નીકળો. ફક્ત તમારું હ્રદય ઉઘાડું રાખો અને તમારા પ્રેમના પ્રવાહને સર્વ જીવો ત૨ફ વહેતો મૂકી દો.
આમ કરવું એટલે મારા દિવ્ય પ્રેમને ઓળખવો. નળમાં વહેતા પાણીની જેમ પ્રેમને ચાલુ કે બંધ કરવાનો હોતો નથી. પ્રેમ કોઈને બાકાત રાખતો નથી કે કોઈ પ્રત્યે માલિકીભાવ ધરાવતો નથી. જેમ તમે તેને વહેંચો છો તેમ તે વધે છે. તેને પકડી રાખવા જશો તો તેને ગુમાવી બેસશો. તેને વહેવા દો, જવા દો અને તે હજાર ગણો થઈ તમારા તરફ પાછો આવશે અને માત્ર તમારા પર જ નહીં, તેના માર્ગમાં આવતા દરેક પર આનંદ અને આશીર્વાદ વરસાવશે.