રશિયા તરફથી ભારતની S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમથી ચીન પરેશાન છે અને ભારતની સંરક્ષણ સજ્જતા વિશે જાણકારી મેળવવા માટે સતત સાઈબર હુમલામાં વ્યસ્ત છે.
નવી દિલ્હી: ભારતને રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મળવાનું શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ ભારતીય સરહદો અભેદ્ય બની જશે. રશિયા તરફથી ભારતની S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમથી ચીન પરેશાન છે અને તે સતત ભારતની સંરક્ષણ સજ્જતા વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સંરક્ષણ પ્રણાલી પર સાયબર હુમલાનો પ્રયાસ
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીનના હેકર્સ ભારતની સંરક્ષણ સજ્જતાની માહિતી મેળવવા માટે દેશના સંરક્ષણ ક્ષેત્ર પર સાયબર હુમલા કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આવા 40 કોમ્પ્યુટરની માહિતી સરકાર સાથે શેર કરી છે, જેને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે એજન્સીઓએ 100થી વધુ વેબ એપ્લિકેશન શોધી કાઢી છે, જેના દ્વારા હેકિંગના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
1 થી 30 સપ્ટેમ્બર સુધી સાયબર હુમલા
ચીનના હેકર્સ દ્વારા 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે સાયબર એટેક કરવામાં આવ્યો હતો. આ માહિતી કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારોને પણ આપવામાં આવી છે. હેકર્સે જે 40 કોમ્પ્યુટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તેમાંથી 11 જમ્મુ અને કાશ્મીરના, 7 કર્ણાટકના અને 6 ઉત્તર પ્રદેશના છે.
ચીન આ રહસ્યો શોધવાની તૈયારી કરી રહ્યું છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીન એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભારત તેના ફાઈટર જેટ અને અન્ય હથિયારો સાથે એન્ટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ક્યાં તૈનાત કરી રહ્યું છે. ચીનની જેમ પાકિસ્તાન પણ સાયબર હેકર્સ દ્વારા ભારતની જાસૂસી કરી રહ્યું છે. ચીનના સાયબર હેકર્સ સંરક્ષણ ક્ષેત્રની સાથે-સાથે દેશના અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રો જેમ કે પાવર, બેંકો, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને પોલીસ વિભાગના કમ્પ્યુટરને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.