અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ( APSEZ )એ શ્રીલંકામાં મહત્ત્વના બંદરને વિકસિત કરવાના અને સંચાલન કરવાના અધિકારો મેળવ્યા છે. અદાણી ગ્રૂપે શ્રીલંકાની સરકારી માલિકીની કંપની શ્રીલંકા પોર્ટસ ઑથોરિટી (SLPA) સાથે વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલને વિકસિત કરવા માટે આશરે 5190 કરોડનો કરાર કર્યો છે.
આ ટર્મિનલ કોલંબોમાં સ્થિત છે. આ સાથે જ શ્રીલંકામાં કોઈ બંદરને વિકસિત કરવાના અધિકારો મેળવનાર APSEZ પહેલી ભારતીય કંપની બની ગઈ છે. શ્રીલંકાની દરિયાઈ સીમામાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે કોલંબોના બંદરના સંચાલનના અધિકારો અદાણી ગ્રૂપને મળવા એ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની બાબત માનવામાં આવે છે. વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલમાં અદાણી ગ્રૂપનો હિસ્સો 51 ટકા રહેશે.
એપીએસઇઝેડ સ્થાનિક કંપની જૉન કિલ્સ હોલ્ડિંગ્સ અને એસએલપીએની સાથે મળીને ટર્મિનલને બિલ્ટ ઑપરેટર ટ્રાન્સફરના આધારે તૈયાર કરશે. કોલંબો સ્થિત આ બંદર ભારતીય કન્ટેનરો તથા મેઇનલાઇન શીપ ઑપરેટરો માટે મહત્ત્વનું માનવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટેશન માટે આ બંદર તેમની પસંદગીનું છે. ઉલ્લેખનીય છે કે ચીને પોતાની બેલ્ટ એન્ડ રોડ નીતિ હેઠળ શ્રીલંકામાં વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે મહત્ત્વનું રોકાણ કર્યું છે. ચીને શ્રીલંકામાં વિવિધ યોજનાઓમાં કુલ મળીને આશરે 8 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.
2017માં શ્રીલંકાએ કોલંબોનું હંબનટોટા બંદર ચીનને સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપીએસઇઝેડ ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર કંપની છે. ભારતની કુલ પોર્ટ ક્ષમતાના લગભગ 24 ટકા હિસ્સો APSEZ હસ્તક છે.