નાનું મગજ એ અર્ધજાગ્રતમનનું મુખ્ય સ્થાન છે, તે અર્ધજાગ્રતપણે કામ કરે છે, તેમછતાં તેની કાર્યશીલતા જાગ્રતમન કરતાં વધારે શકિતશાળી છે. જો આપણે ચિંતા, લાગણીઓ, આવેગો અને નકારાત્મક વિચારોથી મુકત થઈને શાંત થઈએ તો અર્ધજાગ્રતમન આપોઆપ કામ કરતું થઈ જશે, જેનાથી કરેલાં તમામ કામોનો કાર્યબોજ લાગશે નહીં, કરેલા કામની સુંદરતા નિર્માણ થશે અને મન પ્રસન્નતા અનુભવશે.
કુંભાર પોતાના ચાકડા ઉપર પોતાના જ્ઞાનના આધારે માટીમાંથી જુદા જુદા આકારો ઘડે છે, તેમ મગજની પેટીમાં આવેલા જુદા જુદા ન્યુરોન્સને વ્યવસ્થિત રીતે ઉત્તેજીત કરીને હકારાત્મક વિચારો અને સ્વસૂચનથી અર્ધજાગ્રતમનને સક્રિય બનાવી જીવનમાં સંવાદિતતા લાવી શકાય છે. તેવી જ રીતે બેધ્યાનપણે કરેલાં નકારાત્મક વિચારો સ્વાસ્થ્ય અને જીંદગી બંનેને બગાડે છે.
કોઈપણ પદાર્થ, વસ્તુ કે વિચાર વિષેની પ્રાથમિક જાણકારી સૌ પ્રથમ મગજમાં કંડારાય છે, ત્યારબાદ તે બાબત જાગ્રતમન કે અર્ધજાગ્રતમનની બને છે. મનુષ્યના અર્ધજાગ્રતમનની અંદર જ સર્વાધિક સ્ફુરણાનો સ્રોત છે.
અર્ધજાગ્રતમનની ઓળખ કેવી રીતે કરશો. How to identify subconscious mind?
અર્ધજાગ્રતમન એટલે ઉદ્દ્ભવેલા વિચાર સાથે જમણા મગજનું વધારે પ્રમાણમાં સક્રિયતાપણું. બીજી રીતે કહીએ તો; વિચાર + જમણા મગજનું વધારે સક્રિયતાપણું + ડાબા મગજનું સક્રિયતાપણું = અર્ધજાગ્રતમન.
અર્ધજાગ્રતમનની શકિત જાગ્રતમનની શકિત કરતાં અનેકગણી છે, તેમ છતાં અર્ધજાગ્રતમનને સમજવા માટે જાગ્રતમન શાંત હોવું જરુરી છે. આપણા જાગ્રતમનથી જેટલી ક્રિયાઓ થાય છે તેના કરતાં વિશેષ ક્રિયાઓ અર્ધજાગ્રતમનની શક્તિથી થાય છે. જાગ્રતમનના સંઘર્ષ ઘણા પ્રકારના છે જયારે તે સંઘર્ષમાં કોઈ સમાધાન ન મળે ત્યારે તેવી તમામ બાબતો જેવી કે લાગણીઓ, અનુભવ, સ્મૃતિઓ, ઈચ્છાઓ, ભૂતકાળની ઘટનાઓ, આવેગો, વિચારો અને અનેક પ્રકારની અપેક્ષાઓ આ રીતે અર્ધજાગ્રતમનમાં સંગ્રહાયેલી હોય છે. તેથી માણસ તે મુજબનું વર્તન કરવા માટે પ્રેરાય છે. આ બધી બાબતો યોગ્ય સમયે જાગ્રતમન દ્વારા કયારેક વ્યકત થતી હોય છે, જેને આપણે આકસ્મિક ઘટના ગણીએ છીએ. હકીકતમાં જાગ્રતમન દ્વારા આવી આકસ્મિક ઘટના જયારે ઘટવા પામે છે, ત્યારે તેમાં અર્ધજાગ્રતમનનો જ વધારે પ્રભાવ હોય છે, પરંતુ વ્યકત કરવાનું માધ્યમ માત્ર જાગ્રતમન હોય છે, તેથી આપણે આ ઘટનાને અર્ધજાગ્રતમનની શકિત ગણતા નથી. કારણ કે આપણે માત્ર જાગ્રતમનની શકિતથી જ કામ કરવા માટે ટેવાયેલા છીએ. આપણે આપણી અર્ધજાગ્રતમનની શકિત વિષેની પૂરેપૂરી જાણકારી ધરાવતા નથી. મન કોઈ સ્નાયુગત સ્થાયી તત્વ નથી તેને આપણે જન્મ આપીને વિકસાવેલું છે. તે મગજના અસ્તિત્વના આધારે અસ્તિત્વમાં આવેલું છે અને તે વિચારોથી, બાય પરિબળોથી, કલ્પનાઓથી અને માનવીની ઈચ્છાશકિતથી વિકાસ પામે છે. ઘણીવાર આપણને અર્ધજાગ્રતમનના કામની જાણકારી હોતી નથી. નાનું મગજ એ આપણા અર્ધજાગ્રતમનનું મુખ્ય સ્થાન છે, તે અર્ધજાગ્રતપણે કામ કરે છે, તેમછતાં તેની કાર્યશીલતા જાગ્રતમન કરતાં અનેકગણી છે માનવીની અર્ધજાગ્રતમનની શકિતઓ અતિ ગહન છે, તે રહસ્યમય છે, તેથી તેનો તાગ મેળવવો પણ મુશ્કેલ છે.
અર્ધજાગ્રતમનનો સંપર્ક કેટલીક પદ્ધતિઓથી શકય બને છે, જેમાં નિદ્રાવસ્થા, તંદ્રાવસ્થા, મનોરમ્ય કલ્પના ચિત્રો, ખાસ પ્રકારની શારીરિક તથા માનસિક કસરતો, હઠયોગ, પ્રાણાયામ, ધ્યાન, સમાયિ, શરીરની પદ્ધતિસરની મોકળાશ, નિયમિત ધ્યાન, સગ્રંથોનું વાંચન, નિસ્વાર્થ સેવા, સતસંગ અને સ્વ-સૂચનોની પદ્ધતિઓ મુખ્ય છે. અર્ધજાગ્રતમનના સંપર્કમાં કેટલાંક અવરોધક પરિબળો જેવ કે અતિનિંદ્રા, વધુ ખોરાક લેવાની વૃત્તિ, લઘુતાગ્રંથિ, વ્યસનો, ભય, શંકાઓ અને આળસ પ્રતિકૂળ અસરો ઊભી કરે છે.
સતત તનાવભરી સ્થિતિ, નકારાત્મક અને ખરાબ વિચારો, શંકા-કુશંકા જેવા સંશયો, અસફળતા, નુકસાન, ખરાબ તથા વ્યર્થ ભૂતકાળની ઘટનાઓ અને નિરાશાવાદી અભિગમ ઉપર ચિંતન કરવાથી મગજના કોષો વધારે પ્રમાણમાં નાશ પામે છે અને તેના પરિણામ સ્વરુપે તેની પ્રતિકૂળ અસર સૌપ્રથમ મગજ ઉપર પડતાં મન અને શરીરની તંદુરસ્તી જોખમાય છે, તેથી તેવું ન બને માટે આપણે આપણી જાત ઉપર ઉપકાર કરવો હોય તો ઉત્તમ વિચારોનું સેવન, સસાહિત્યનું સતત વાંચન, સારી આદતો અને મનને શાંતિ આપે તેવી તમામ બાબતોનું ચિંતન કરવું જરુરી છે, જે આપણા અર્ધજાગ્રતમનને સક્રિય કરવામાં મદદરુપ થશે.
આપણા મનના કયા વિચાર, વાણી, વર્તન અને દર્શનથી દુઃખ, અશાંતિ ઊભાં થાય છે તેનાં ઉકેલો શોધવાની જે ક્ષણે શરુઆત થાય છે અને તેનાંથી મન પ્રસન્નતા તેમજ આનંદ અનુભવે છે તે ક્ષણે અર્ધજાગ્રતમન સક્રિય છે તેમ ગણી શકાય.
જે મનથી શાંતિ, સજાગતા, વિવેકબુદ્ધિ અને ચપળતાનું સર્જન થાય તે જ મન બુદ્ધિશાળીમન ગણાય. મનમાં જેવાં વિચારો આવે છે તેવાં તેનાં કંપનો પેદા થાય છે અને તે વિશ્વમાં પ્રસરે છે અને તેની સાથે વિશ્વમાં પ્રસરતાં સમાન કંપનો તેમાં સામેલ થતાં મૂળ વિચારનાં કંપનો વધુ શકિતશાળી બને છે તેના કારણે વિચાર મુજબનાં પરિણામો મળે છે, તેથી તમારા અર્ધજાગ્રતમનના વિકાસ માટે સદ્વિચારોની ટેવ પાડો, તેને વિશાળ બનાવો, તેનું પુનરાવર્તન કરતાં રહો, તેનું મનન અને ચિંતન કરીને દઢીકરણ કરો, તેને હકારાત્મક અને આશાવાદી બનાવો, ધ્યેયલક્ષી બનાવી તેને સિદ્ધ કરવા પ્રારબ્ધવાદી નહિ પણ પુરુષાર્થવાદી બનો, જીવનની દરેક ક્ષણને આનંદથી ભરી દો, નવાં કામ કરી કર્તૃત્વનો આનંદ માણો અને પોતાના સ્વાર્થ સાથે સાથે પોતાની સાધન, શકિત અને સંપત્તિ અનુસાર નિઃસ્વાર્થ ભાવનાથી માનવજાત, પશુ-પંખી અને વનસ્પતિની સેવા કરીને આનંદ માણો. જે કંઈ કરો પ્રેમથી કરો, બીજાની સાથે આદરથી વર્તન કરો, બીજાને આપવાનું થાય, બીજા માટે કંઈક નિઃસ્વાર્થપણે સેવા કરવાની થાય તો આનંદ અને પ્રેમપૂર્વક કરો. ઈચ્છો તેવું કરો. આપો તેવું પામો, વાવો તેવું લણો, તેને અર્ધજાગ્રતમન અનુસરે છે. તમે તમારી સાથેના જેવાં વ્યવહાર, પ્રેમની, આદરનીઅને શુભેચ્છાઓની અપેક્ષા રાખો છો તેવો જ વ્યવહાર તમે અન્ય સાથે પણ કરશો તો તે તમારો વ્યવહાર જ તમારી સામે પડઘા સ્વરુપે રજૂ થશે. તમારા જીવનમાં સારું સ્વાસ્થ્ય, કીર્તિ, યશ, સુખ, શાંતિ, સંતોષ, આનંદ અને તમામ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળતા અપાવશે. આ પ્રકારની તમામ સફળતાઓ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે અને તે અર્ધજાગ્રતમનની શક્તિઓની ઓળખથી જ સિદ્ધ થાય છે, જે તમારા શરીરની ઊર્જાશકિતને પ્રદિપ્તમાન કરશે.
જે ઘટનાઓ જીવનમાં બનવા પામે છે તે દરેક ઘટના જાગ્રતમનની સહાયથી સ્થૂળ સ્તર ઉપર થવા પામે છે, પરંતુ તેના અનુભવો સૂક્ષ્મ રીતે અર્ધજાગ્રતમનન કોઈ સ્તર ઉપર કંડારાઈ જાય છે અને તે સમયાન્તરે પરિપકવ થઈને પરિણામ આપવા તૈયાર થાય છે, ત્યારે જાગ્રતમન તેમાં કંઈ કરી શકતું નથી અને માણસને એમ લાગે છે કે આ ક્રિયા જાગ્રતમન દ્વારા થઈ છે. હકીકતમાં તો આ ક્રિયા અર્ધજાગ્રતમનમાંથી પરિપકવ થઈને જ બહાર આવેલી હોય છે. આમ, માણસ અર્ધજાગ્રતમનમાં સંઘરાયેલી બાબતો પ્રમાણેનું જ વર્તન કરે છે.
ઘણાં લોકો પોતાનાં અ.જા. મનની શક્તિઓ અને ખાસિયતોથી પરિચિત નથી અને તેના ઉપયોગના યોગ્ય તરીકાઓ પણ જાણતા નથી. તેવાં લોકોમાં વિવેકબુદ્ધિનો વિકાસ ન થતાં જીવનભર નિર્બળ, નિર્ધન અને નિસહાય સ્થિતિમાં રહે છે, તેવાં લોકો જીવે છે પણ દુ:ખમાં અને મરે છે પણ દુઃખમાં જ, તેમને કોઈની સહાય મળતી નથી. અ.જા. મનની સહાય સિવાય જીંદગી સારી રીતે જીવી શકાતી નથી.
કોઈપણ માહિતી, કોઈપણ ક્રિયા, જાગ્રતમન દ્વારા વારંવાર પુનરાવર્તન પામીને ઘુંટાય છે અને તેનું પરિણામ જાગ્રતમન ન આપી શકે તેવા સંજોગોમાં આવી તમામ બાબતો અર્ધજાગ્રતમનમાં પ્રવેશ પામે છે. સમયાન્તરે આ બધી બાબતોને સફળ બનાવવા માટે અર્ધજાગ્રતમન વાતાવરણ તૈયાર કરીને પરિણામ માટે સતત ઝઝૂમ્યા કરે છે ત્યારે તેમાં વિશ્લેષણ અને વિવેકબુદ્ધિને જરાપણ અવકાશ રહેતો નથી. આમ જાગ્રતમન કરતાં અર્ધજાગ્રતમન ઘણું શકિતશાળી છે.
તે પરિણામ માટે જાગ્રતમનના નોકરની જેમ જ કાર્ય કરે છે, તેથી જાગ્રતમન દ્વારા જે બાબત અર્ધજાગ્રતમનમાં જાય ત્યારે તેની ભાષા હકારાત્મક, સચોટ, સ્પષ્ટ હોવી ખાસ જરુરી છે. કારણ કે તેના ઉપર જ અર્ધજાગ્રતમન પરિણામ આપવા માટે તત્પરતા દાખવે છે. જેવું આપો તેવું પામો, જેવું વાવો તેવું લણો તેવા અટલ અને અફર કુદરતી સિદ્ધાંતને અર્ધજાગ્રતમન અનુસરે છે. ઘણીવાર જાગ્રતમનને અશકય અને અસંભિવત લાગતી બાબતો, અર્ધજાગ્રતમન વાસ્તવિકમાં શકય અને સંભવિતમાં રૂપાંન્તર કરીને પરિણામ આપે છે. આમ, અર્ધજાગ્રતમનની શકિત અતૂટ, અખૂટ, અસીમ અને અગાધ છે.