ઈશ્વર કહે છે કે…
તમારી ચેતનામાં તમે શું શું સંઘરી રાખ્યું છે ? હું ઇચ્છું છું કે તમારામાં એ જ રહે જે સર્વોત્તમ હોય, સર્વશ્રેષ્ઠ હોય. જો તમે ઊતરતી કક્ષાનું કંઈ પસંદ કરશો તો તમને તે જ મળશે. તમે કંઈ નીચા દરજ્જાનું સ્વીકારો ને તેનાથી સંતુષ્ટ રહો તો પછી હું પણ તમને કંઈ મદદ કરી શકું નહીં, શ્રેષ્ઠની આકાંક્ષા રાખતાં જરા પણ ખચકાટ ન અનુભવો. કદી પોતાની પાત્રતાને ઓછી ન આંકો. તમે સર્વોચ્ચને પામવા લાયક નથી તેવું કદી ન સમજો.
હું તમને કહું છું કે જે સર્વોચ્ચ છે, સર્વશ્રેષ્ઠ છે તે તમારું છે. અધિકારપૂર્વક તેનું સ્વપ્ન જુઓ, અધિકારપૂર્વક તેને સ્વીકારો. મેં પોતે તમને તે ભેટ ધર્યું છે. કહો. તમે એ સઘળું ભરપૂર અને કૃતજ્ઞ હૃદયથી સ્વીકારશો કે પછી તેનો અનાદર કરશો ? જેના પર તમારો હક છે તેને સ્વીકારવામાં તમારી નમ્રતાને વિઘ્નરૂપ ન થવા દો અને ફક્ત સ્વીકારીને ન અટકી જાઓ. તેને સત્કારો, તેને પામો, તેને માટે કૃતજ્ઞતા અને ગૌરવ અનુભવો, તેનું જતન કરો. જુઓ કે તમારી જિંદગીમાં તે કેવા કેવા અદ્દભુત રૂપે પ્રગટી ઊઠે છે. મારું જે કંઈ છે તે તમારું જ છે. તેમાં શંકાના પડછાયાને પણ સ્થાન નથી.