ઈશ્વર કહે છે કે…
કોઈની આધ્યાત્મિક પ્રગતિ કે પ્રાપ્તિ જોઈ ઈર્ષા ન અનુભવો. જાણી લો કે તમે પણ તે બધું કરી શકો છો, પણ તે માટે તમારે જ કંઈક કરવું પડશે. જિંદગીની તકલીફોનાં રોદણાં રડવાથી કશું નહીં થાય. દરેક આત્મા ઊંચાઈઓને સર કરી શકે છે. દરેક આત્મા મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક કરી શકે છે. દરેક આત્મા મારી સાથે ચાલી શકે છે, બોલી શકે છે. આ સમજી લો, સ્વીકારી લો.
માની લો કે આ શક્ય છે, ફક્ત તમારી ઇચ્છા હોવી જોઈએ, અને એમ થશે. તેને માટે જિંદગીભર રાહ જોવી પડશે તેમ પણ નથી. ખરેખર તો તેમાં સમય લાગતો જ નથી. તમે ઇચ્છો તો આંખના પલકારામાં બધું થઈ જાય. આ ક્ષણે તમે જૂના સમયમાં ચાલતા હો અને બીજી ક્ષણે તેજોમય નવા પંથ પર હો તેમ બને. આટલી ઝડપથી અનાયાસે, સાચી ઝંખના અને સંકલ્પથી પૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વડે ક્ષણભરમાં પરિવર્તન થઈ શકે. તો શા માટે પ્રયાસ ન કરવો ? મારાં પ્રેમ અને શાંતિ વડે ભરપૂર થાઓ અને ખૂલતા જાઓ.