ઈશ્વર કહે છે કે….
તમારાં હ્રદય અને મનને ક્યારેય બંધિયાર બનવા ન દો. નવું, અજાણ્યું, જુદી જાતનું કશું જોઈને ગભરાઈ ન જાઓ. પોતાના અંતરમાંથી ઊઠતો અવાજ સાંભળવા માટે હંમેશાં સજ્જ રહો. તમારી સામે સાવ નવું, શબ્દોમાં કે આકારમાં ન બંધાય તેવું રહસ્ય ખૂલે તેવી અદ્ભુત પ્રેરણા માટે તૈયાર રહો. બુદ્ધિનું અભિમાન આધ્યાત્મિકતાના માર્ગ પર પાંગળું બની જાય છે અને સત્યની શોધના માર્ગ ૫૨ નડતરરૂપ થાય છે.
તમને જેની જરૂ૨ છે તે બુદ્ધિ નથી, તે અંતઃસ્ફુરણા છે. બુદ્ધિ બાહ્ય ચીજ છે, અંતઃસ્ફુરણા આંતરિક. તે કદી બાહ્ય તત્ત્વોથી પ્રભાવિત થતી નથી. જ્ઞાનને સહજપણે તમારી અંતઃસ્ફુરણામાં પ્રગટવા દો. તમારી અંદર પ્રગટતી દરેક સમજને બહાર લાવો. તમારી ભીતર રહેલા ખજાનાને જોઈ તમે પોતે જ ચિકત થઈ જશો. ભીતરનો વૈભવ અસીમ, અપરંપાર છે, કેમ કે એ મારી દેણ છે. હું અસીમ છું, શાશ્વત છું તેથી મારું જે કંઈ છે તે પણ અસીમ છે, શાશ્વત છે.