હાલની યોગ્ય અને ડાહી કહેવાતી સમાજવ્યવસ્થા જોઈતી નથી. સખત બાહ્યાચાર પળાવનારા ધર્મો જોઈતા નથી.કુબેરના ભંડાર જોઈતા નથી. મહાન સત્તા જોઈતી નથી. પરંતુ ખરો મનુષ્ય જોઈએ છે.
‘ સમગ્ર જગત બૂમ પાડી રહ્યું છે કે, અમારો ઉદ્ધારક મનુષ્ય કયાં છે? અમને એક ખરા મનુષ્યની જરૂર છે; પરંતુ આવા પુરુષને માટે તમે દૂર દૂર શોધશો નહિ, તેવા પુરુષ તમારી નિકટ જ છે અને તે બીજો કોઈ નહિ પણ તમે પોતે છે; હું પણ છું અને આપણામાંના પ્રત્યેક માણસ પણ છે……એક માણસને ખરો મનુષ્ય કેમ બનાવવા ? જો તે પોતે જ તેવા બનવાની ઇચ્છા ધારણ કરી શકતો ન હોય તો તો તેવા બનવા જેટલું કોઈ પણ કામ તેને માટે કઠિન નથી; અને જો તે તેવી ઇચ્છા ધારણ કરી શકતો હોય તો તેને માટે સાચેા મનુષ્ય બનવા જેટલું સહેલું પણ બીજું કાંઈ નથી.’ —અલેકઝાંડર ડ્યુમાસ
‘આપણે જીવનની આશા રાખીએ છીએ, મરણની આશા રાખતા નથી. આપણું હાલનું જીવન એ તો આપણા પૂર્વજીવનનો એક ભાગ છે. આપણે સંપૂર્ણ જીવન માગીએ છીએ…. જીવનના હજારો પ્યાલા- માંથી (હજારો જીવતાં મનુષ્યોમાંથી) માત્ર એકાદમાં જ ખરુ મિશ્રણ હોય છે. સારી આંખ, પૂરતો ઉત્સાહ અને સર્વ વસ્તુઓની છાપ મેળવવા છતાં તેનાથી દબાઈ ન જનારા હ્રદય સાથે જે માણસ જન્મ્યો હોય તેને બીજા વિશેષ ગુણની જરૂર નથી. કેમકે તે પોતાનું સદ્ભાગ્ય પોતાની સાથે જ લઈને આવેલા હય છે.’ —ઈમર્સન
પ્ર્રાચીન કાળમાં એથેન્સ નગરમાં દાયોજીનીસે ખરે બપોરે હાથમાં ફાનસ લઈને સંપૂર્ણ પ્રમાણિક મનુષ્યની શોધ કરી હતી; પરંતુ તેને તેવું કોઈ મળ્યું નહોતું. એક વાર બજારમાં તે ઉચ્ચ સ્વરે પોકારી ઊઠયો કે ‘હે મનુષ્યો ! મારી વાત સાંભળો.’ અને જયારે તેની આસપાસ એક ટોળું એકઠું થયું ત્યારે તે તિરસ્કારપૂર્વક બોલ્યો કે ‘મેં તો મનુષ્યોને બોલાવ્યા હતા; કાંઈ તેમનાં ઓઠાંને બોલાવ્યાં નહોતાં !’
(૧) ખરેખર પ્રત્યેક ઠેકાણે એક એવા માણસની આવશ્યકતા છે, કે જે મનુષ્યોના ટોળામાં પોતાનું વ્યકિતત્વ ગુમાવી દે નહિ; જેનામાં પોતાના નિશ્ચયોને વળગી રહેવાની હિંમત હોય અને આખી દુનિયા ‘હા’ કહે તોપણ ‘ના’ કહેતાં જેને જરા પણ ભય લાગે નહી.
(૨) જે એક મહાન ઉદ્દેશ્ય ખાસ આતુરતાપૂર્વક પોતાના મનમાં ધરાવતા હોય તોપણ જે પોતાની તે આનુતાને પોતાનું મનુષ્યત્વ સંકુચિત કરવા, દાબી દેવા અથવા નાશ કરવા દે નહિ; અને જે પોતાની એકાદ શકિતના અત્યંત વિકાસ કરીને પોતાની અન્ય શકિતઓને શીથીલ કરી નાખે નહિ.
(૩) જે પોતાના ધંધાને તો માત્ર નિર્વાહના સાધન તરીકે જ લેખીને તેનું મૂલ્ય પોતાના ચારિત્ર્ય કરતાં ઓછું લેખતો હોય; જે પોતાના ધંધાને આત્મવિકાસ, શિક્ષણ, સંસ્કાર અને વ્યાયામ તથા ચારિત્ર્ય અને મનુષ્યત્વ પ્રાપ્ત કરવાના સાધન તરીકે જ ગણતો હોય.
(૪) જેનું મગજ સ્થિર હોય; જેનામાં અતિ ઉપયોગિતાને સંકુ ચિત કરી નાખનાર અને શકિતઓના હ્રાસ કરનાર કોઈ ખામી હોય નહિ.
(૫) જે હિંમતવાળો હોય અને જેનામાં કાયરતાનો જરા પણ અંશ ન હોય.
(૬) જેનો વિકાસ એકદેશી નહિ પણ સર્વદેશી હોય અને જેણે પાતાની સઘળી શકિતઓને એકાદ સંકુચિત ધંધામાં રોકીને તેના જીવનની શેષ શાખાઓને દુર્બલ બની જવા અથવા મરી જવા દીધી ન હોય.
(૭) જેનું મન વિશાળ હોય અને જે વસ્તુઓની અર્ધ બાજુજોતો ન હોય.
(૮) જે પોતાના સિદ્ધાંતોને વળગી રહેવા છતાં સાદી સમજશકિતને તિલાંજલિ આપે નહિ અને શાળા—મહાશાળાના શિક્ષણથી દબાઈ જઈને વ્યવહારકુશળતા ગુમાવી બેસે નહિ.
(૯) જે આડંબર કરતા સત્ત્વને વધારે પસંદ કરે અને પોતાની સત્કીર્તીને અમૂલ્ય ભંડાર સમજે.
(૧૦) જે સંકીર્ણ વિચારનો અને ઉદાસીન ન હોય; પરંતુ જે ચૈતન્ય અને ઉત્સાહથી ભરેલા હોય અને જેની મનોવૃત્તિઓને દૃઢ ઇચ્છા- ની આજ્ઞામાં રહેવાનું શિક્ષણ મળ્યું હોય તથા જેનું અંત:કરણ કોમળ હોય; જે પ્રકૃતિ અને કલાના સૌંદર્યને ચાહતાં, સર્વ પ્રકારની અધમતાને ધિક્કારતાં અને અન્યોને પોતાની જાતની પેઠે માન આપતાં શીખ્યો હોય તેની આવ- શ્યકતા છે.
ઈશ્વર મનુષ્યને પ્રમાણિક, પવિત્ર અને ઉદાર થવા કહે છે; પરંતુ તેની સાથે તે તેને બુદ્ધિમાન, બળવાન અને બહાદુર તથા કુશળ થવાને પણ કહે છે. સમગ્ર જગત આવા માણસની અપેક્ષા રાખે છે.
રૂસો પોતાના શિક્ષણ વિષેના સુપ્રસિદ્ધ નિબંધમાં જણાવે છે કે, ‘કુદરતની વ્યવસ્થાનુસાર સર્વ માણસો સમાન હોવાથી તેમનો ધંધો પણ એક સરખા જ હોય છે; અને જે એક મનુષ્ય તરીકેનું કર્તવ્ય બજાવવાને સુશિક્ષણ પામ્યો હોય તે માનવજાતિના કોઈ પણ ધંધો સારી રીતે કરવાને અશકત નીવડતો નથી. મારો શિષ્ય સૈનિક, આચાર્ય કિવા વકીલ ગમે તે થવાનો હોય તેની દરકાર નથી; પરંતુ સૌથી પહેલાં તેણે મનુષ્ય થવું જોઈએ. પ્રકૃતિએ આપણને સામાજિક કાર્યો કર્યા પૂર્વે મનુષ્ય તરીકેનાં કર્તવ્યો બજા- વવાને ઉત્પન્ન કર્યા છે. હું મારા શિષ્યને માનવજીવન કેવી રીતે ગાળવું તેનું શિક્ષણ આપવાનું પસંદ કરું છું. જ્યારે હું તેને આ શિક્ષણ આપી રહીશ, ત્યારે તે સૈનિક, વકીલ અથવા આચાર્ય થશે નહિ એ વાત સત્ય છે, પરંતુ પ્રથમ તેને મનુષ્ય થવા દો, ભલે ભાગ્ય તેને પોતાની ઈચ્છા-નુસાર એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં મૂકે, પરંતુ તે પોતે તો હમેશાં પોતાના સ્થાન પર જ રહેશે.’
ઈમર્સન કહે છે કે, ટેલીરેન્ડ સદા મુખ્ય પ્રશ્ન જ પૂછે છે. તે એમ પૂછતો નથી કે, અમુક માણસ શ્રીમંત છે? તે સારા વિચારો ધરાવે છે? તેનામાં આ અથવા પેલી શકિત છે? તે આ હિલચાલને પસંદ કરે છે? તેની પાસે માલમિલકત છે? પરંતુ તે તો માત્ર એટલા જ પ્રશ્ન પૂછે છે કે, તે માણસ છે? તેનામાં કાંઈક સત્ત્વ છે? તે તો માત્ર એક ઉત્તમ માણસ જ માગે છે; અને સાદી સમજશકિત ધરાવનાર પ્રત્યેક જણ પણ ખરા મનુષ્યની જ અપેક્ષા રાખે છે.
જ્યારે ગાર્ફીલ્ડ બાલ્યાવસ્થામાં હતો ત્યારે તેને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘તમે શું થવા માગો છો?’ તેણે પ્રત્યુત્તર આપ્યો કે ‘સૌથી પહેલાં મારે મનુષ્ય થવું જોઈએ; જો હું મનુષ્ય બનવામાં સફળ થઈશ નહિ તો હું કોઈ પણ કાર્યમાં સફળતા મેળવીશ નહિ. ‘
મૉન્ટેન કહે છે કે માત્ર શરીરને કેળવવું એ આપણું મુખ્ય કામ નથી; પરંતુ એક મનુષ્ય તરીકેની કેળવણી મેળવવી એ જ આપણું મુખ્ય કામ છે.’
જગતમાં આજે સ્રીપુરુષોનું એક મોટું કર્તવ્ય ‘બળવાન થવું ‘ એ છે. આપણી એકત્રિત થયેલી સંસ્કૃતિઓનો બોજો સહન કરવા માટે ભાવી પુરુષ અને સ્ત્રીને અત્યંત બળની આવશ્યકતા પડશે, તેમનું આરોગ્ય દૃઢ હોવું જોઈશે. માત્ર રોગની ગેરહાજરી એ ખરું આરોગ્ય નથી. અર્ધા ભરાયેલા ઝરો નહિ પણ નીચેની ખીણને ઉભરાતો ઝરો જ જીવન અને સૌંદર્ય આપે છે. જે હમેશાં ઉત્સાહમાં અને ઉત્સાહમાં જ રહે છે; જેનું જીવન મૃતિમંત આનંદ હોય છે; જેના સમગ્ર શરીરમાં ઉલ્લાસ ભરેલા હોય છે; છોકરાઆને બરફ પર સરતી વખતે પોતાના પ્રત્યેક અંગમાં જે ચૈતન્યના અનુભવ થાય છે તે ચૈતન્યની જેને પ્રતીતિ થાય છે તેજ માત્ર નીરોગી હોય છે.
સંપૂર્ણ આરોગ્ય અને ઊભરાતા ઉલ્લાસમુત ઉત્તમ પુરુષત્વ, એનાથી અધિક સુંદર બીજી કઈ વસ્તુ હોઈ શકે?
મજબૂત, સ્વતંત્ર અને સ્વાશ્રયી માણસ નીવડવાનો ઉદ્દેશ ધરાવનારા હજારો વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ આપણી વિદ્યાપીઠોમાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર પડે છે, પરંતુ તેઓ મજબૂત વૃક્ષને બદલે કરમાયેલા છેાડ, બુદ્ધિ- માન પુરુષાને બદલે ગોખણપટ્ટીના સરદાર, સ્વાાયીને બદલે નિરાશ્રિત, મજબૂતને બદલે માંદા, સબળને બદલે નિર્બળ અને સીધાને બદલે વાંકા વળી ગયેલા નીવડે છે. તેમાંના કેટલાક આશાજનક તરુણ લાગે છે ખરા, પરંતુ તેઓ કદી પણ પૂર્ણ મનુષ્યત્વને પ્રાપ્ત થતા નથી.
ચારિત્ર્ય શરીરની પ્રકૃતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને અજાણતાં તેનું જ સ્વરૂપ ધારણ કરે છે. એક નીરોગી, સશકત અને આનંદી માણસ શકિત અને ચારિત્ર્યબળના જેટલા વિકાસ કરી શકે છે; તેટલો વિકાસ એક ચીડિયો, ક્રોધી અને દુ:ખી માણસ કરી શકતો નથી. મનુષ્યના મનમાં પૂર્ણતાને માટે સ્વાભાવિક પ્રેમ હોય છે, તે પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની હમેશાં ઇચ્છા કરે છે અને તેના મનમાં અપૂર્ણતા પ્રત્યે સ્વાભાવિક તિરસ્કાર હોય છે. પ્રકૃતિ પણ એવી જ અપેક્ષા રાખે છે કે, મનુષ્ય હમેશાં પોતાની સ્થિતિના શિખર પર ઊભા રહેવું જોઈએ. અત્યાર સુધી માણસની શકિતઓ સંકુચિત રહી છે, પરંતુ ઉચ્ચ પ્રકારનું મનુષ્યત્વ, દાખલ થવાને માટે આ યુગના દરવાજા ઠોકી રહ્યું છે.
ભરતી વખતે જો આપણે સમુદ્રતટ પર ઊભા હોઈએ તો આપણને પ્રતીત થશે કે, આગલાં મોજાં કરતાં પાછલું મોજું આગળ વધી જાય છે, પછી તે પાછાં હઠે છે અને કેટલાક સમયપર્યંત તેની પાછળ આવતું કોઇ પણ મોજાં તેના જેટલું આગળ જતું નથી; પરંતુ થોડા સમય પછી પાછું પાણી તેના કરતાં પણ વધારે આગળ નીકળી જાય છે. આ પ્રમાણે વારંવાર સાધારણ માણસો કરતાં અતિ ઉચ્ચ કોટિના મનુષ્ય આગળ નીકળી આવે છે; જેથી સમજી શકાય છે કે, કુદરતે પોતાના આદર્શ ગુમાવ્યો નથી. સંભવિત છે કે, થોડા સમય પછી અમુક સાધારણ માણસ પણ જગતમાં અત્યાર સુધી જન્મેલા ઉચ્ચમાં ઉચ્ચ પુરુષ કરતાં ઉચ્ચતર કોટિના નીવડે. અમગ્ર શિક્ષણ અને કેળવણી માટે મનુષ્યત્વ એ પ્રથમ આવશ્યક વસ્તુ છે.
મનુષ્યત્વને આપણે કાષ્ઠની ઉપમા આપીશું. કઠિન કાષ્ઠ સારી રીતે ઉછરેલાં મજબૂત વૃક્ષે.માં જ મળે છે. આવા કાષ્ઠમાંથી વહાણની ડોલ બનાવી શકાય; તેના પિયાના ઘડી શકાય અથવા ઉપર ઉત્તમોત્તમ કોતર- કામ કરી શકાય; પરંતુ સૌથી પહેલી આવશ્યકતા તો કાષ્ઠની જ છે. કાળ અને ધૈર્ય અતિ કોમળ અંકુરમાંથી એવું મજબૂત વૃક્ષ બનાવે છે; તેમ શિક્ષણ, કેળવણી અને અનુભવથી બાળકરૂપી અંકુર વિકાસ પામીને મજબૂત મન, દૃઢ નીતિ અને સશકત શરીર ધરાવનાર માણસરૂપી વૃક્ષ બને છે.
તરુણ મનુષ્ય પોતાની જાતને જ પોતાની મૂડી ગણવાના નિશ્ચય સહિત જીવનના પ્રારંભ કરે તો તેથી તેની ચારિત્ર્યરચનામાં કેટલી સહાય મળશે! ‘એક માનવંત અને પ્રમાણિક મનુષ્ય તરીકેની મારી પોતાની કીતિ અનુસાર જ મારી હૂંડીઓ ખરી કે ખોટી ગણાશે; અને તે સઘળી જગ્યામાં ચાલશે અથવા તો તેની એક પાઈ પણ ઊપજશે નહિ. જો મારી એક હૂંડી શંકાસ્પદ હશે તો મારા સમગ્ર ચારિત્ર્ય પર લોકોને શંકા આવશે. જો મારી બે ત્રણ ચિઠ્ઠીઓ પણ વાંધા ભરેલી હશે તો લોકોમાં મારી જે આંટ છે તેને નુકસાન થશે અને જો મારી વાત વાંધાભરેલી જ ગણાયા કરશે તો મારી ઈજજત નાશ પામશે અને લોકોને મારા પરથી વિશ્વાસ ઊઠી જશે. ’ આવા વિચારપૂર્વક જે જીવનની શરૂઆત કરે છે તેની ચારિત્ર્ય- રચના કેટલી ઉમદા બને છે!
‘હું સત્ય બેલીશ ; મારું પ્રત્યેક વચન અક્ષરશ: પાળીશ; લોકોને મળવાનું કામ અત્યંત નિયમિત અને તેમના સમયની કિંમત સંપૂર્ણ રીતે ધ્યાનમાં લઈને કરીશ; જો હું મારી સત્કીતિને અમૂલ્ય ભંડાર ગણતો હોઉં તો આખા જગતની દૃષ્ટિ મારા પર છે એમ મને લાગવું જોઈએ અને સત્ય તથા પ્રમાણિકતાના માર્ગ પરથી મારે જરા પણ ખસવું જોઈએ નહિ.’
પોતાને પ્રમાણિક માનનાર માણસ, નીંદકની વાણીથી કદી પણ નિસ્તેજ ન થાય એવો ચહેરો ધરાવનાર માણસ, ઘટસ્ફોટ થવાની ભીતિથી જેની છાતી ધડકે નહિ એવો માણસ, એની તુલનામાં મહાલયો ધરાવનાર તથા પોતાના કબાલાથી એક આખા ખંડ ભરી નાખનાર તથા પોતાના વ્યાપારથી મહાસાગર ભરી નાખનાર માણસ પણ શું વિસાતમાં છે? કોઈ પણ માણસનું બૂરું નહિ કરનાર, જે સ્વર્ગને પવિત્રમાં પવિત્ર દેવ શાખ કરી શકે નહિ તે દસ્તાવેજ પર કદી પણ પોતાના હસ્તાક્ષર નહિ કરનાર, જે વસ્તુ પોતાની ન હોય તેનાથી દૂર રહેનાર અને પોતાની ઇચ્છા અને તેની સિદ્ધિની વચ્ચે પ્રમાણિકતાના અદ્રશ્ય કાયદા સિવાય બીજી કોઈ પણ વસ્તુને નહિ આવવા દેનાર માણસની બરોબરી ચક્રવર્તી રાજા પણ કરી શકે એમ નથી. બસ ખરો માણસ તો તે જ છે.
‘જે માણસે પોતાનું મન એટલું ઉચ્ચ બનાવ્યું હોય અને પોતાના વિચારોનું નિવાસસ્થાન એટલું મજબૂત કર્યું હોય કે ભય અથવા આશા તેના નિશ્ચયાની ઇમારતને ડગમગાવી શકે નહિ અને મિથ્યાભિમાન અથવા દ્વેષના સઘળા પવન તેની સ્થિર શાંતિને ખંડિત કરી શકે નહિ તે માણસને કેવું સુંદર સ્થાન પ્રાપ્ત થયું છે! આ સુંદર સ્થાનેથી તે, માણસજાતનાં અમર્યાદ મેદાનો અને જંગલોનું નિરીક્ષણ કરી શકે છે.’
માણસ પૂર્ણત્વથી જેટલું સુખ પ્રાપ્ત કરે છે તેટલું સુખ તે બીજી કોઈ પણ વસ્તુથી પ્રાપ્ત કરતા નથી. જયારે તે પોતાને પૂર્ણ માને છે અને કાખલાઘોડી અથવા ભોમિયા સિવાય ચાલી શકે છે ત્યારે તેને જેટલું સુખ થાય છે તેટલું સુખ તેને બીજું કોઈ પણ સમયે થતું નથી.
‘ખરો મનુષ્ય’એ જ માત્ર વિશ્વમાં મેટામાં મોટી વસ્તુ છે. સઘળા યુગે એક સંપૂર્ણ આદર્શ મનુષ્યને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. આપણામાંના હાલના ઉત્તમોત્તમ માણસો પણ વર્તમાન યુગ- ના એવા ભાવી મનુષ્યની માત્ર આગાહીરૂપ જ છે.
‘રાજય શાનું બનેલું છે? પરિશ્રમપૂર્વક બાંધેલા ઊંચા કિલ્લા, જાડી દીવાલ અથવા આસપાસ ખાઈ સહિત ગઢ, એનું રાજય બનેલું હોતું નથી; મહાલયો અને મિનારાઓથી ભરેલાં નગરોથી રાજય બનેલું હોતું નથી; ઉપસાગરો અને વિશાળ બંદરો કે જયાં ઉત્તમોત્તમ નૌકાસૈન્યો તોફાનની ઉપેા કરીને દોડધામ કરી મૂકે છે તેનાથી રાજય બનેલું હોતું નથી તેમજ ચકચકિત અને ભપકાદાર દરબારથી પણ રાજ્ય બનેલું હોતું નથી; પરંતુ જડ ખડકો અને જંગલી બાવળો કરતાં પરાઓ જન્મ ઉત્તમ હોય છે; તેમ જંગલ, ઝાડી અથવા ગુફામાં વસતાં મૂર્ખ પશુઓ કરતાં ઘણી ઊંચી શકિત ધરાવનાર માણસોથી—ઉચ્ચ મગજના માણસોથી રાજય બનેલું હોય છે. જેઓ પોતાનાં કર્તવ્યો શું છે તે જાણે છે; પોતાના હક્કો શું છે તે જાણે છે અને તેને જાણીને તેનું સંરક્ષણ કરવાની હિંમત ધરાવે છે; જેઓ લાંબા સમયથી મારવા ધારેલા પ્રહારને અટકાવે છે અને જલ્દી રાજાને કચરી નાખીને ખાને તોડીને છિન્નભિન્ન કરી નાખે છે; તેવા માણસોથી રાજય બનેલું હોય છે.’ વિલિયમ જોન્સ
‘હે ઈશ્વર ! અમને મનુષ્ય આપો. હાલના જેવા સમયમાં દૃઢ મન, વિશાળ અંત:કરણ, સાચી શ્રાદ્ધા અને કામ કરવાની તત્પરતા ધરાવનાર માણસાની જરૂર છે. જે માણસને સત્તાનો લોભ માટે નહિ; જેમને સત્તાથી પ્રાપ્ત થતું દ્રવ્ય ખરીદી શકે નહિ; જે સ્વતંત્ર અભિપ્રાય અને ઇચ્છાશકિત ધરાવે છે; જેઓ માનહિત જીવન ગાળવા માગે છે; જે માણસ અસત્ય બોલતા નથી; જેઓ ઉચ્ચ દરજજાવાળા માણસની સામે ઉભા રહી શકે છે અને જરા પણ ડર્યા વિના તેની દગાભરેલી ખુશામત પ્રત્યે તિરસ્કાર દર્શાવી શકે છે; સાર્વજનિક કર્તવ્ય અને ખાનગી વિચારની બાબતમાં જેઓ ધુમ્મસની ઉપર સૂર્યપ્રકાશમાં રહે છે; એવા ઊંચા માણસની હાલના સમયમાં આવશ્યકતા છે.’ એનન
‘તારું’” હૃદય ખુલ્લું કર, તારી ઇચ્છાઓને વિશાળ કર અને પુરુશત્વ તથા સુખને અંદર પ્રવેશવા દે , શૂન્યથી ઈશ્વર પર્યંતના વિચારના જે અમર્યાદ સમૂહ છે તેને તારા હૃદયમાં દાખલ કર. આથી જ ખરો મનુષ્ય બને છે.’ —યંગ
‘શાણામાં શાણો પુરુષ ભાગ્યની પાસે સાદાઈ, નમ્રતા, પૌરુષ અને પ્રમાણિકતા સિવાય બીજી કોઈ પણ વસ્તુ માગતો નથી.
” માણસ કેવો હોવો જોઈએ ?
વાણીમાં સુમધુર, શાણો, રાજાના જેવો ભવ્ય દેખાવવા છતાં નમ્ર સ્વભાવનો અને નિર્ભય હોવા છતાં વિનયશીલ, અદબવાળો અને મૃદુ હૃદયનો—એડવિન આર્નોલ્ડ