ઈશ્વર કહે છે કે…..
શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો ?
તમારી સલામતી શામાં છે ? 👉લોકોમાં ?
👉બેંકના ખાતામાં ? કે પછી
👉તમારી સલામતીનાં મૂળ મારામાં રોપાયેલાં છે – તમારી અંદરના ઈશ્વરમાં, તમારી અંદરની દૈવી ચેતનામાં ?
આને શોધવાનો પ્રયત્ન કરો અને તમને શંકાના જરા પણ ઓછાયા વિના સમજાશે કે ખરેખર કઈ જગ્યાએ તમારી શ્રદ્ધા અને સલામતી રહેલાં છે.
શું તમે આનંદપૂર્વક અને નિર્ભયપણે, કોઈ દેખીતી સલામતીની ખાતરી વગર જીવનનું કોઈ મોટું પગલું ઉઠાવી શકો ? જો તમને ખ્યાલ હોય કે અમુક વસ્તુ સાચી છે તો તેને નિઃસંકોચપણે અમલમાં મૂકી શકો ?
શું તમે પૂર્ણ વિશ્વાસથી તમારો હાથ મારા હાથમાં મૂકી કહી શકો કે “તમારી ઇચ્છા પૂર્ણ થાઓ’ ? આ કહેતી વખતે તમે સમગ્ર હૃદય-મનથી તેનો પૂરો અર્થ સમજી, જે થાય તેના સ્વીકાર સાથે નવા, અજ્ઞાતમાં પગલાં માંડી શકો ?
ઈશ્વર કહે છે કે….શ્રદ્ધાને વિકસાવવાનો એક જ રસ્તો છે – નાનાં મક્કમ પગલાં ભરતાં જાઓ, ક્યારેક ભલે થાકી જાઓ, પણ છેવટે શ્રદ્ધા મજબૂત થશે અને તમે મોટાં પગલાં ભરી શકશો, વિરાટ કૂદકો મારી શકશો. અજ્ઞાતમાં ઝંપલાવી શકશો, કેમ કે તમને ખ્યાલ આવે છે કે હું હંમેશાં તમારી સાથે જ છું.