મરાઠા ઇતિહાસમાં છત્રપતિ શિવાજી પછી સૌથી માનભર્યું સ્થાન બાજીરાવ – પહેલાનું છે, જે મરાઠા સામ્રાજ્યનો છત્રપતિ શિવાજીએ પાયો નાખ્યો એને મજબૂત કરી સમગ્ર ભારતમાં ફેલાવવાનું શ્રેય નાસિક પાસેના સિનાર ગામે વિસાજી નામે 18-8-1700મા જન્મેલા પેશ્વા બાજીરાવ પહેલાને જાય છે.
તેમણે મરાઠા સામ્રાજ્યને માટે મુગલો અને તેના સુબાઓને દિલ્હી અને ભોપાલની લડાઇઓમાં અનેકવાર હરાવ્યા હતા. દક્ષિણમાં મરાઠા સામ્રાજ્યને શક્તિશાળી બનાવવા ઉપરાંત ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ભારતમાં પોતાની વિચક્ષણ બુદ્ધિથી મિત્રો બનાવવા ઉપરાંત મરાઠા સામ્રાજ્યને આર્થિક રીતે સદ્ધર બનાવવા ચૌથ ઉઘરાવવાના અધિકારો મેળવ્યા હતા.
તેમણે ગુજરાત, રાજપૂતાના, બુંદેલખંડ અને બંગાળ સુધી પોતાનું રાજ્ય ફેલાવ્યું હતું. દક્ષિણે જંઝિરાનાં સીદીઓના અને પોર્ટુગીઝોના શાસનમાંથી કોંકણને મુક્ત કરાવ્યું હતું.
1728માં તેમની રાજધાની સાસવડથી ખસેડી પૂણેમાં સ્થાપી અને ત્યાં 1728માં શનિવારવાડાના બાંધકામની શરૂઆત કરી 1732માં પૂર્ણ કર્યું. ઇતિહાસકારોના મતે તેઓ ઘોડેસવાર સૈનિકોનાં શ્રેષ્ઠ સેનાપતિ હતા.
ઝડપી લશ્કરી હેરફેર કરવા સાથે દુશ્મનોની પુરવઠા લાઇન કાપી નાખી શરણાગતિ માટે લાચાર કરવા તે તેમની સફળ વ્યૂહરચના હતી. પેશ્વા બાજીરાવ-1 નું 28-4-1740ના દિવસે અવસાન થયું હતું.