વિશ્વના લશ્કરી ઇતિહાસમાં એકમાત્ર અજોડ દૃષ્ટાંત 19/8/1941નાં રોજ જન્મનાર રાઇફલમેન જશવંતસિંહ રાવતનું છે.
જેમની શહીદીને 60 વર્ષ વીતી જવા છતાં એક સિપાહીને મળવાપાત્ર પગાર, પેન્શન, હોદ્દા પ્રમાણે ડ્રેસ, તેમનાં મેમોરિયલ્સ અને તેમનાં ચંદ્રકો, બુટ અને બેલ્ટનું પોલિશ નિયમિત થાય છે, પગાર મળતો અને અત્યારે પેન્શન મળે છે. પદોન્નતિ મુજબ અત્યારે તેઓ રાઇફલમેનમાંથી મેજર જનરલ બન્યા છે. નુરાન્ચ પોસ્ટ પર પોસ્ટિંગ મેળવનાર ઓફિસર-સૈનિક તેમના મેમોરિયલનાં દર્શને જઇ પછી ફરજ પર હાજર થાય છે.
1962નાં ઓક્ટોબર-નવેમ્બરનાં ભારત- ચીન યુદ્ધ દરમિયાન નુરાન્ચ પોસ્ટ પર ચોથી ગઢવાલ રાઇફલ્સમાં ફરજ બજાવતા તેઓને સૈન્યમાં એક વર્ષ થયું હતું.
તેઓને વડામથકેથી વ્યૂહાત્મક પીછેહઠનો આદેશ મળ્યો છતાં, એકલે હાથે સતત 72 કલાક સુધી તેઓએ પોસ્ટ શત્રુના કબજામાં ન જાય એવી લડાઈ આપી. ત્રણ દિવસ એમણે અલગ અલગ પોઝિશન પરથી ફાયરિંગ કરી 300 ચીની શત્રુઓને યમસદન પહોંચાડી, છેલ્લી બુલેટથી જાતે 17-11-1962નાં રોજ શહીદ થયાં હતા.
સરકારે ભારતનાં આ પનોતા સપૂતનું મહાવીર ચક્ર પ્રદાન કરી વીરોચિત સન્માન કર્યુ હતું.